પતિના નિધન બાદ લક્ષ્મીબેનને ખાવાના પડી ગયા ફાંફા, જ્યાં મજૂરી કરતાં હતા એ જ કંપની ખરીદી લીધી

કહેવાય છે કે મન હોય તો, માળવે જવાય. માણસ મન, મહેનત અને જુસ્સાથી પોતાની કિસ્મતને ગમે ત્યારે બદલી શકે છે. જરૂરી નથી કે લાખો રૂપિયાની કમાણી કરવા માટે ઉચ્ચ અભ્યાસ જ કરવો પડે, પરંતુ જરૂરી એ છે કે તેમાં કઈક અલગ કરવાની ઈચ્છા કેટલી છે.

આવી જ કમાલ કરી દેખાડી છે અમદાવાદના લક્ષ્મીબહેન ગોસ્વામીએ, જેઓ 23 રૂપિયા પ્રતિદિનના પગારે નોકરી કરતા હતા. પણ પોતાની મહેનત અને સુઝબુઝના કારણે હાલ એક કંપનીના માલિક છે અને કરી રહ્યા છે લાખોની કમાણી.

જિંદગીના ચાર દાયકા વટાવી ચૂકેલાં અને બાપુનગર વિસ્તારમાં રહેતાં લક્ષ્મીબહેનના જીવનમાં યુવાન અવસ્થાથી જ મુશ્કેલીઓ સાથે નાતો રહ્યો છે. 21 વર્ષના હતાં ત્યારે ટીબીને કારણે ડાયમંડ પોલિશીંગ કરતા પતિએ દુનિયામાંથી વિદાય લીધી. લક્ષ્મીબહેન કહે છે,

સાસરીમાં સાસુ સસરા હયાત નહોતા, એટલે ગાયનેક હોસ્પિટલમાં નોકરી કરવાની શરૂઆત કરી. ત્યાં એક રૂમમાં બાળકોને લઇને રહેવા લાગ્યા. પતિના અવસાન પહેલાં અકસ્માતમાં ભાઇ પણ મોતને ભેટ્યો હતો. ભાઇની દીકરીને માતા પિતા એકલે હાથે ઉછેરતાં હતાં. એમના કહેવાથી બાળકોને લઇને લક્ષ્મીબહેન પિયર આવી ગયા.

શરૂઆતમાં તેમણે ઘરેથી અગરબત્તી બનાવવાનું કામ શરૂ કર્યું. એમાં ઠીકઠીક પગાર મળતો. એ અરસામાં સગી બહેને પણ જીવ ગુમાવી દીધો. લક્ષ્મીબેને જણાવ્યું કે, તેની દીકરીને સાચવનાર કોઇ ન હોવાથી તેને ઘરે લઇ આવ્યા. હવે ઘરમાં પાંચ નાના નાના બાળકો, મમ્મી, પપ્પા મળીને આઠ સભ્યોનો પરિવાર હતો. મમ્મી પપ્પા બાળકોને સાચવતાં અને હું,

નોકરી કરવા જતી. માત્ર 10 ધોરણ સુધી ભણેલી હોવાથી સારી નોકરી મળી નહીં. પણ કમાયા વગર ચાલે તેમ નહોતું. પગાર વધારે મળે ત્યાં નોકરી બદલતી રહેતી, કારણ કે મારો પગાર એટલો ઓછો હતો કે ઘણી વખત માત્ર પાણી પીને સુવુ પડતું. બાળકો દૂધ માંગે તો એમાં પાણી ઉમેરીને બધાને આપવું પડતું હતું.

લક્ષ્મીબેને જણાવ્યું કે, એક હોસ્પિટલમાં નોકરી કરતી હતી, ત્યાં મને જાણ થઇ કે દવાઓના રિસર્ચ સેન્ટરમાં સ્કિનિંગમાં જઇએ તો 15થી 20 હજાર રૂપિયા મળે છે. રિસર્ચ કરેલી દવાઓની આડઅસર થાય છે કે કેમ? એની ચકાસણી મારા ઉપર કરવામાં આવતી. એ વખતે બે-ત્રણ દિવસ ત્યાં રહેવું પડતું. નોકરીની સાથે એ પણ કામ કરવાનું શરૂ કર્યું.

રજાના દિવસે સિલાઇ કામ કરવાની શરૂઆત કરી. આમ મહેનત કરતી ગઇ. આ મહિલાનું માનવું છે કે જો ઇરાદો સારો હોય અને મનોબળ મજબૂત હોય તો દુનિયાની કોઇ શક્તિ તમને આગળ વધતી અટકાવી શકતી નથી. લક્ષ્મીબહેનના જીવનમાં ઘણાં ઉતાર ચડાવ આવ્યાં. પણ સંતાનોને ભણાવવા જરાય પાછીપાની ન કરી. બાદમાં તેઓ પીવીસી પાઇપ બનાવતી કંપનીમાં નોકરીએ લાગ્યાં.

બે વર્ષમાં તેમને સારી એવી ફાવટ આવી જતાં પાર્ટનગરશીપમાં પીવીસી પાઇપ બનાવવાનો વ્યવસાય શરૂ કર્યો. પણ એ ચાલ્યો નહીં. લક્ષ્મીબહેને જણાવ્યું કે, જ્યાં નોકરી કરતી હતી, એ કંપનીના માલિકે કંપની વેચવા કાઢી હતી. તેથી મેં મારું સોનું ગીરવે મૂક્યું અને થોડી ઘણી બચત મારફત કંપનીના માલિક પાસેથી એક પછી એક મશીનોની ખરીદી કરવાનું શરૂ કર્યું.

માલિક સારા હતાં, પરિણામે 2016માં કંપની ખરીદી લીધી. મશીનો જાતે જ ઓપરેટ કરવા લાગી, જેથી માણસો ઓછા રાખવા પડે. હવે તો દીકરાઓ ભણીને બિઝનેસમાં ધ્યાન આપી રહ્યા છે. દીકરીઓ પરણીને સાસરે છે. ઓઢવમાં ભાડે ફેક્ટરી ચલાવતાં લક્ષ્મીબહેને સાણંદ જીઆઇડીસીમાં પ્લોટ લીધો છે, પોતાનું ઘર બનાવ્યું છે. તેમની કંપનીનું વાર્ષિક ટન ઓવર 60થી 70 લાખ રૂપિયા સુધી પહોંચી ગયું છે.

pinal patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *