હિન્દુ ધર્મ અનુસાર ચાર ધામ બદ્રીનાથ, દ્વારકા, રામેશ્વરમ અને પુરી છે. એવું માનવામાં આવે છે કે જ્યારે ભગવાન વિષ્ણુ ચાર ધામોમાં સ્થાયી થયા, ત્યારે તેઓ પહેલા બદ્રીનાથ ગયા અને ત્યાં સ્નાન કર્યું, તે પછી તેઓ ગુજરાતમાં દ્વારકા ગયા અને ત્યાં કપડાં બદલી લીધા. દ્વારકા પછી, તેમણે ઓડિશાના પુરી ખાતે બપોરનું ભોજન કર્યું અને અંતે તે તામિલનાડુના રામેશ્વરમમાં આરામ કર્યો. પુરીમાં ભગવાન શ્રી જગન્નાથનું મંદિર છે.
શ્રી કૃષ્ણ અનેક રૂપમાં પૃથ્વી પર બિરાજમાન છે. આવું જ એક અદ્ભુત અને વિશ્વપ્રસિદ્ધ સ્વરૂપ ભગવાન જગન્નાથનું છે. જગન્નાથ પુરીમાં ઘણા રહસ્યો સમાયેલા છે. પૃથ્વી પર ઘણા સ્થળોએ ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓ હજુ સુધી સાક્ષી છે.
આ તમામ સ્થળોને કળિયુગમાં તીર્થોની માન્યતા આપવામાં આવી છે અને મનુષ્ય આ સ્થળોની મુલાકાત લેતા રહે છે. આવી જ એક વિશ્વ વિખ્યાત યાત્રાધામ છે જગન્નાથ પુરી. માનવામાં આવે છે કે યદુકુલ શ્રેષ્ઠ ભગવાન શ્રી કૃષ્ણનું હૃદય (દિલ) આ સ્થળે રાખેલ છે.
એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણ મૃત્યુ ત્યારે પામ્યા હતા જ્યારે તે પ્રભાસ ક્ષેત્રના ભાલકા તીર્થમાં પીપળના ઝાડ નીચે આરામ કરી રહ્યા હતા, તે જ સમયે જરા નામના ભીલ દ્વારા છોડવામાં આવેલ એક ઝેરી તીર તેના પગના તળિયા માં વાગ્યું હતું. અને પછી ભગવાન શ્રી કૃષ્ણ એ એને પોતાના જીવનની છેલ્લી પળ માનીને પોતાનો દેહ છોડી દીધો.
જ્યારે શ્રીકૃષ્ણના અવસાન વિશે પાંડવોને ખબર પડી, ત્યારે તેઓએ તેમની વિધિ પૂર્વક અંતિમ સંસ્કાર કર્યો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ નું આખું શરીર રાખમાં ફેરવાઈ ગયું, પણ બ્રહ્મા શ્રી કૃષ્ણના હૃદય માં બિરાજમાન હતાં, આ કારણે તેનું હૃદય રાખ ના થયું અને સતત ને સતત સળગતું જ રહ્યું, પછી આકાશવાણી પ્રમાણે, સળગતું હૃદય પાંડવોએ પાણીમાં વહાવી દીધું ત્યાર પછી આ હૃદયે લાકડાના એક કટકાનું સ્વરૂપ (પિંડ) લીધું.
તે સમયે, અવંતિકાપુરીના રાજા ઇન્દ્રદ્યુમ્ન, જે ભગવાન જગન્નાથના એક મહાન ભક્ત હતા, તેમને આ પિંડ (ભગવાનનું હૃદય) પાણીમાં તરતા જોવા મળ્યું અને તેમણે ભગવાન જગન્નાથની મૂર્તિની અંદર આ દ્વીપ-આકારનું હૃદય સ્થાપિત કર્યું. પ્રાચીન સમયમાં સ્થાપિત થયેલ શ્રી કૃષ્ણનું હૃદય આજે પણ ભગવાન જગન્નાથની મૂર્તિમાં સ્થાપિત છે. આજ સુધી કોઈ પણ વ્યક્તિએ આ પિંડ (ભગવાનનું હૃદય) ને પોતાની નજરે જોયું નથી.
જ્યારે 12 અથવા 19 વર્ષમાં મૂર્તિઓ બદલવામાં આવે છે, ત્યારે પૂજારીની આંખે પાટા બાંધી દેવામાં આવે છે અને તેના હાથ પણ કપડાથી ઢાંકી ત્યારબાદ ભગવાનના આ પિંડ ને એક મૂર્તિ માંથી બીજી મૂર્તિમાં જોયા વગર જ સ્થાપિત કરવામાં આવે છે. તેથી મંદિરના પુજારી તે પિંડ (ભગવાનનું હૃદય) ને જોઈ શકતા નથી, તેને સ્પર્શ પણ કરી શકતા નથી. તેમને ફક્ત એવું લાગે છે કે હૃદયનું આ પિંડ ખૂબ જ નરમ છે.
જગન્નાથ પુરી મંદિરની ત્રણેય મૂર્તિઓ દર 12 વર્ષે બદલવામાં આવે છે. જૂની મૂર્તિઓની જગ્યાએ નવી મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવે છે. મૂર્તિને બદલવાની આ પ્રક્રિયાથી સંબંધિત એક રસપ્રદ કથા પણ છે. જ્યારે મૂર્તિઓને બદલવામાં આવે છે,
ત્યારે સમગ્ર શહેરમાં વીજળી કાપવામાં આવે છે. મંદિરની આજુબાજુ સંપૂર્ણ અંધકાર છે. મંદિરની બહાર સીઆરપીએફ સુરક્ષા ગોઠવવામાં આવે છે. મંદિરમાં કોઈપણના પ્રવેશ પર પ્રતિબંધ છે. ફક્ત તે જ પુજારીઓને મંદિરની અંદર મંજૂરી છે જેમણે મૂર્તિઓ બદલવી પડશે.
આખરે શું છે આ બ્રમ્હ પદાર્થ ? : આજ સુધી કોઈને પણ આ બ્રમ્હ પદાર્થ શું છે તે વિશે કોઈ માહિતી નથી. મૂર્તિની બદલી કરનારા પુજારીઓ પાસેથી થોડીક વાર્તાઓ સાંભળી છે. આ બ્રમ્હ પદાર્થને દર 12 વર્ષે જૂની મૂર્તિથી નવી મૂર્તિમાં બદલવામાં આવે છે,
પરંતુ મૂર્તિ બદલનારા પૂજારીને પણ ખબર નથી કે તે શું છે. એવું માનવામાં આવે છે કે જો કોઈ આ બ્રમ્હ પદાર્થને જોશે, તો તે મરી જશે. એવું પણ કહેવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ આ પદાર્થને જોશે, તો તે વ્યક્તિના શરીરના ચીંથરા ઉડી જશે.
એક કથા છે કે આ બ્રમ્હ પદાર્થ હંમેશાં તેને શ્રી કૃષ્ણ સાથે જોડીને જોવામાં આવે છે. મૂર્તિ બદલનારા કેટલાક પૂજારીઓએ કહ્યું છે કે જ્યારે બ્રમ્હ પદાર્થને જૂની મૂર્તિમાંથી કાઢીને નવી મૂર્તિમાં મૂકવામાં આવે છે, ત્યારે તે સમયે એવું લાગે છે કે હાથમાં કંઈક સસલાની જેમ કૂદી રહ્યું છે,
કંઈક ધબકતું જીવંત વસ્તુ લાગે છે, કોઈક એવી વસ્તુ છે જેમાં જીવન છે જેને ભગવાન શ્રી કૃષ્ણ નું જીવંત હૃદય માનવામાં આવે છે. અર્થાત્ આ બ્રમ્હ પદાર્થ જીવંત પદાર્થ હોવાની કથાઓ ચોક્કસપણે છે, પરંતુ તેની વાસ્તવિકતા શું છે તે કોઈને ખબર નથી.