350 વર્ષમાં પહેલીવાર માતાના મઢમાં કોઈ મહારાણીએ ઝોળી ફેલાવી પતરી વિધિ કરી

કચ્છનાં કુળદેવી મા આશાપુરાનું શ્રદ્ધાધામ માતાના મઢ બુધવારે વિવિધ ઐતિહાસિક ઘટનાક્રમનું સાક્ષી બન્યું હતું. 350 વર્ષમાં હવનાષ્ટમીએ સર્વપ્રથમ વાર કચ્છ રાજવંશનાં મહારાણી પ્રીતિદેવીએ ઝોળી ફેલાવીને પતરીવિધિ સંપન્ન કરી હતી.

એટલું જ નહીં જેની સમયગાળો માના આશીર્વાદ સાથે સંકળાયેલી છે એવી પતરી ઝીલવાની વિધિ પણ માત્ર 3 મિનિટ 58 સેકન્ડમાં સંપન્ન થતાં ઇતિહાસ રચાયો હતો. માતાના મઢમાં પતરી વિધિના હક્ક બાબતે રોયલ ફેમિલીમાં 2009માં વિવાદ થતાં મામલો ન્યાયાલય સુધી પહોંચ્યો હતો.

અંતિમ મહારાવ પ્રાગમલજી (ત્રીજા)નું આ વર્ષે 28 મેના અવસાન થતાં અને તેમનો કોઇ સીધા વારસ (સંતાન) ન હોવાથી હવે પતરીવિધિ કોણ કરે એ મુદ્દે ભુજની અદાલતમાં કાનુની જંગ મંડાયો હતો. 22 દિવસ પહેલાં જ કોર્ટે માતાજીની પૂજા-પતરીવિધિ એક મહિલા શા માટે કરી ન શકે એવી પ્રશ્નયુક્ત ટીપ્પણી કરી કોર્ટે સામેવાળાનો દાવો ફગાવ્યો હતો.

મહારાણી પ્રીતિદેવીએ ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે જ્યારે સ્ત્રી-પુરુષ ભેદભાવ રહ્યો નથી તો માતાજીની આરાધનામાં કેમ રહે? ઘણા લોકોએ વિરોધ કર્યો હતો પણ આખરે સત્યનો વિજય થયો છે. જ્યારે કોર્ટે તરફેણમાં ચુકાદો આપ્યો ત્યારે અમારા માટે ખુશીની વાત હતી.

આ નારીશક્તિની જીત છે.આ ઐતિહાસિક નિર્ણય કચ્છના ખરા વિકાસની સાબિતી છે. માતાજીના આશીર્વાદ મારા પ્રદેશ પર રહે તેવી પ્રાર્થના મેં મઢવાળી સમક્ષ કરી છે. ગણતરીની સેકંડોમાં જ માની પતરી મેં ઝીલી લીધી હતી. આવું પ્રથમ વખત બન્યું છે’.

pinal patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *