હજારો દીકરીઓના પાલક પિતા બનીને અનાથ અને પિતા વગરની દીકરીઓનો માંડવો શણગારનારા મહેશભાઈ સવાણી તેમના સેવાકીય કાર્યો માટે જાણીતા છે. અત્યાર સુધી તેમને માતા-પિતા વિહોણી ઘણી દીકરીઓના લગ્ન કરાવી તેમના પાલક પિતા બન્યા છે, તો કોરોના મહામારી દરમિયાન પણ તેમના સેવાકીય કાર્યોના પડઘા સાંભળવા મળ્યા છે.
મહેશ સવાણી દર વર્ષે અનાથ અને પિતા વિહોણી દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરે છે પરંતુ કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી તેમને સમૂહલગ્નનું આયોજન નહોતું કર્યું, પરંતુ હવે સ્થિતિ સામાન્ય થતા લગ્ન સમારોહ 4 અને 5 ડિસેમ્બર એમ બે દિવસ સુધી ધામધૂમથી યોજાયો. જેમાં 300 પિતા વિહોણી દીકરીઓના ધામધૂમથી લગ્ન કરવામાં આવ્યા.
હવે તેમના લગ્ન કરાવ્યા બાદ મહેશ સવાણીએ દીકરીઓ અને જમાઇઓને હનીમૂન ઉપર પણ મોકલ્યા છે, જેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં સામે આવી છે. મહેશભાઈ સવાણીએ તેમના ફેસબુક ઉપર કેટલીક તસવીરો શેર કરી છે અને લખ્યું છે કે, “પી પી સવાણી ગ્રુપ આયોજીત ” ચૂંદડી મહિયરની ” લગ્ન પ્રસંગ અંતર્ગત દીકરી-કુમારનું પ્રથમ ગ્રુપ ” મનાલી ” જવા માટે રવાના…”
સોશિયલ મીડિયામાં સામે આવેલી તસવીરો અને વીડિયોની અંદર તમામ યુગલો પીળા રંગની ટી-શર્ટ અને કાળા રંગનું પેન્ટ પહેરીને જોવા મળી રહ્યા છે. ચૂંદડી મહિયરની અંતર્ગત આ પહેલું ગ્રુપ 5 જાન્યુઆરીના રોજ મનાલી જવા માટે રવાના થયું હતું.
આ પહેલા પ્રાણી સંગ્રહાલયની પાછળ આવેલા મિતુલ ફાર્મ ખાતે મહેશભાઈએ દીકરીઓ અને જમાઈને ભેગા કરીને સમગ્ર મનાલી પ્રવાસ દરમિયાનનું આયોજન સમજાવ્યું હતું, જેના બાદ બપોરે 3:30 કલાકની આસપાસ તમામ યુગલોને રેલવે સ્ટેશન પહોચવવામાં આવ્યા હતા. ત્યાંથી તેમને પશ્ચિમ એક્ષપ્રેસમાં બેસાડીને મનાલી જવા માટે રવાના કરવામાં આવ્યા.
મનાલીમાં આ યુગલ 12 દિવસ સુધી રોકાશે જ્યાં તેમના માટે હોટલમાં રહેવા જમવા તથા સાઈટ સીનની વ્યવસ્થા અગાઉથી જ કરવામાં આવી છે. મહેશભાઈ સવાણી દીકરીઓને કોઈ અગવળના પડે તેનું પણ સંપૂર્ણ ધ્યાન રાખી રહ્યા છે.
પી.પી.સવાણી ગ્રુપ આયોજિત ભવ્ય લગ્ન સમારોહ “ચુંદડી મહિયરની”ના પ્રથમ દિવસે સવારે 65 અને સાંજે 70 જેટલી કન્યાના લગ્ન પી.પી.સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલના કેમ્પસમાં યોજાયા હતા. બે દિવસમાં 300 દીકરીઓના ધામધૂમથી લગ્ન યોજાયા. બે દિવસથી બદલાયેલા મોસમના કારણે આ સમુહલગ્ન ખુલ્લા મેદાનમાં નહિ પણ શાળાના સંકુલમાં યોજાયા હતા.
પી.પી.સવાણી ગ્રુપના વલ્લભભાઈ સવાણી અને વિવિધ સમાજના અગ્રણીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત થઇ હતી, સાંજે વલ્લભભાઈની સાથે વડીલોએ દીપ પ્રાગટ્ય કર્યો હતો. આ સમૂહલગ્નમાં એક અનોખો સંયોગ પણ પી.પી સવાણીના આંગણે જોવા મળ્યો હતો. જ્યાં એક તરફ દીકરીઓના હિંદુ વિધિથી લગ્ન થતા હતા તો બીજી તરફ મુસ્લિમ દીકરીના નિકાહ થતા તો ત્રીજી તરફ ઈસાઈ વિધિથી લગ્ન યોજાયા હતા અને ચોથા ખૂણે શીખ વિધિથી લગ્ન વિધિ યોજાઈ હતી.