રીક્ષા ચાલકના શિક્ષિત પુત્રએ સફેદ કપડાંમાં જ સાદાઈથી કર્યા લગ્ન, ફોટામાં જરૂરી હોવાથી ફક્ત હાર પહેર્યો

આજના આધુનિક યુગમાં એકબીજાના દેખાદેખીમાં લગ્નમાં ધૂમ ખર્ચા કરવામાં આવી રહ્યા છે. ઘણા લોકો દેખાદેખીના કારણે કે પછી પોતાનો વટ બતાવવા માટે દીકરાના કે દીકરીના લગ્નમાં લાખો રૂપિયાનો ખર્ચ કરતા હોય છે. ત્યારે ગાંધીનગરના માણસામાં એક રીક્ષા ડ્રાઈવરના એમએસસી થયેલાં શિક્ષિત પુત્રએ સાદાઈથી લગ્ન કર્યા હતા.

રિક્ષા ચાલકના પુત્રએ મંડપ, જાનૈયા, શેરવાની, શૃંગાર કે જમણવાર વિના એકમાત્ર સફેદ કપડાં પહેરીને એક સહી કરીને નવી રાહ ચીંધી ઉત્તમ દાખલો સમાજમાં બેસાડયો છે. એટલે સુધી કે ફૂલહાર પણ કાયદાકીય ફોર્મના ફોટામાં જરૂરી હોઈ ફોર્માલિટી ખાતર હાર પહેર્યો હતો.

આજની પેઢી લગ્નમાં ધૂમ ખર્ચા કરાવવા પાછીપાની કરતી નથી. ફૂલોથી માંડી મંડપ, જમણવાર, લાઈટિંગ, મોંઘાદાટ કપડાં વગેરે પાછળ પાણીની જેમ પૈસા વેરી દેતા હોય છે. ઘણા દેવા કરીને લગ્નમાં અઢળક રૂપિયા ખર્ચીને આખી જિંદગી દેવા ભરવામાં વ્યથિત કરતાં હોય તેવા પણ ઘણા દાખલા સામે આવતા હોય છે.

ઘણા લોકોના મનમાં અમુક અંશે તો આ વિચારધારા નાબુદ કરીને આગળ વધવાની ઈચ્છા પણ હોય છે, પણ અમુક સામાજિક પરિસ્થિતિ, જૂનવાણી વિચાર-વ્યવહાર, લોકો શું કહેશે, આવું કરીશું તો કેવું લાગશે? મિત્રો-બહેનપણીઓ શું વિચારશે?

પરિવાર સાથ આપશે કે નહીં? જીવનસાથી મારા જેવી વિચારધારાવાળી મળશે કે નહીં? સમાજમાં રહેવા દેશે કે નાત બહાર કરશે? – આવા બધા પ્રશ્ન મનમાં ઊભા થતા હોય છે. જેથી કેટલાક લોકોને મજબુરીમાં પણ લગ્નમાં ખર્ચા કરવા પડે છે.

આ વચ્ચે ગાંધીનગરમાં માણસાના એક રિક્ષા ડ્રાઈવરના એમ.એસસી. થયેલા દીકરા કુણાલ પરમારે આ બધાની પરવા કર્યા વગર અનોખી રીતે લગ્ન કર્યા છે. કુણાલ પરમારે કહ્યું કે, મને આ બધા પ્રશ્ન ઊભા થવા માટેનો કોઈ રસ્તો જ ન હતો. મને મારા પરિવાર, મારા ગામના લોકોનો સહકાર તથા હું જે વિચારધારામાં માનું છું એ વિચારધારા બતાવવાવાળા વિજયભાઈ (કાકા)ના આશીર્વાદથી આ કામગીરીમાં સફળ રહ્યો છું.

વધુમાં જણાવ્યું કે, મેં અને મારી પત્ની બન્નેએ સફેદ કપડાં પહેરીને, શ્રુંગાર વિના, ઘરમાં ગણેશ સ્થાપન કે મૂર્તિપૂજા વગર ફક્ત ને ફક્ત સહી કરીને કાયદાકીય રીતે લગ્ન કર્યા છે. ફોટોમાં ફૂલહાર પણ એક ફોર્માલિટી સમજવી કારણ કે કાયદાકીય રીતે ભરેલા ફોર્મમાં ફોટો મુકવો જરુરી હોઈ ફૂલહાર કરેલું છે. કેમકે ફૂલહાર પણ એક પ્રકારની બિનજરુરી અને દેખાદેખીથી થતી પ્રક્રિયા જ છે.

વધુમાં કહ્યું અમે એકબીજાને સમાજની રીતે જોવા ગયેલા પરંતુ મેં સગાઈ કે રિંગ સેરેમની જેવી બિનજરુરી પદ્ધતિમાં પણ ભાગ લીધો નથી. સુખી લગ્ન જીવન કોઈ વિધિ કે શાસ્ત્ર નક્કી નથી કરતાં. સુખી લગ્ન જીવન માટે અતૂટ વિશ્વાસ અને એકબીજા પ્રત્યે પ્રેમ તેમજ નિષ્ઠા જરુરી છે. કુણાલના પિતા કિરીટભાઈ મંગળદાસ પરમાર ધોરણ – 11 (જૂની એસ.એસ.સી).પાસ છે અને રિક્ષા ચલાવીને નિર્વાહ કરે છે. તેમનાં માતા કોકિલાબેન આંગણવાડી તેડાગર છે.

મા-બાપે સંઘર્ષ કરીને ત્રણેય સંતાનોને ભણાવ્યાં છે. આ રીતે લગ્ન કરનારા કુણાલે શેઠ એલ.એચ.સાયન્સ કોલેજમાંથી કેમિસ્ટ્રી સાથે બી.એસસી. બીજા વર્ગમાં પાસ કરી ગણપત યુનિવર્સિટી, ખેરવામાંથી ઑર્ગેનિક કેમિસ્ટ્રી સાથે એમ.એસસી.

કરેલું છે. હાલ તે ગાંધીનગર ખાતે નોકરી કરે છે. તેમનાં મોટાં બહેન કૃપલ કે.પરમાર બી.એસસી. નર્સિંગ છે અને હાલ સરકારી હોસ્પિટલ, અમદાવાદ ખાતે સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવે છે. તેમના નાનાભાઈ કમલ કે.પરમારે બી.એસસી. બાપુ કોલેજ,ગાંધીનગર ખાતેથી 2021 માં પૂર્ણ કર્યુ છે.

એક રિક્ષા ડ્ર્રાઈવર પણ પોતાનાં ત્રણ સંતાનોને કેટલા સુશિક્ષિત કરી શકે છે તેનું આ ઉદાહરણ છે. રિક્ષા ડ્ર્રાઈવરે પોતાનાં ત્રણેય સંતાનોનાં નામ રાશિ જોવડાવ્યા વિના રાખ્યાં છે અને દીકરાનાં લગ્ન પણ આવી અનોખી રીતે કર્યા છે.

રેશનાલિઝમ એ માત્ર બૌદ્ધિકોનો ઈજારો નથી. આવી રીતે લગ્ન કરાવવાનો વિચાર પણ એમનો જ હતો. તેઓ કોઈ ધર્મમાં માનતા નથી પણ સંત પરંપરામાં માને છે. તેમને આ પ્રકારના વિચારો/પ્રેરણા વિજયભાઈ પાસેથી મળી છે.

વિજય કરસનભાઈ પરમાર ગામ નાની ખોડિયાર, ગીર,જૂનાગઢ ખાતે સત ગુરુ આશ્રય સ્થાન(દેલવાડ) ચલાવે છે. તેમણે ત્યાં દરેક જ્ઞાતિના લોકો માટે સંત પરંપરાની ગાદીની સ્થાપના કરેલી છે. તેઓ લોકોને માર્ગદર્શન આપે છે.

અંધશ્રદ્ધા નિર્મૂલન તથા જાગૃતિ લાવવી એ એમનો ઉદ્દેશ છે. માત્ર પોતાના કુટંબ અને સાસરીના કુટુંબને જમાડીને આવી અનોખી રીતે સાદગીથી ઓછા ખર્ચે લગ્ન કરનારા કુણાલનાં પત્ની હેમાંગિનીબેન પરમાર બેચલર ઑફ રુરલ સ્ટડીઝ (બીઆરએસ) નારદીપુર મહિલા ગ્રામ વિદ્યાપીઠમાંથી 86 ટકા પ્રાપ્ત કર્યા છે.

જે હાલમાં ગૂજરાત વિદ્યાપીઠમાં એમ.એસ.ડબલ્યૂના પ્રથમ સેમેસ્ટરમાં અભ્યાસ કરી રહ્યા છે. તેમના પિતા મુકેશભાઇ પણ રિક્ષા ડ્ર્રાઈવર છે અને ધોરણ 12 સુધી ભણેલા છે. ત્યારે હેમાંગિનીએ પણ પોતાના લગ્નમાં સોનાના આભૂષણો, પાનેતર કે કોઈપણ જાતનો મેકઅપ, શૃંગાર વિના પ્રભુતામાં પગલાં માંડી આજની યુવતીઓને પ્રેરણા પૂરી પાડી હતી.

pinal patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *