શું ખરેખર ગંગા નદીમાં નહાવાથી મળે છે સ્વર્ગ, સ્વયં શિવજી પાસેથી જાણો તેની હકીકત

કહેવાય છે કે ગંગામાં સ્નાન કરવાથી બધા જ પાપ ધોવાઇ જાય છે. તેમાં સ્નાન કરવા વાળાને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. પરંતુ શું ખરેખર એવું હોય છે? આ વાતનો ખુલાસો સ્વયં ભગવાન ભોલેનાથે કર્યો છે. તેમણે માતા પાર્વતીને જણાવ્યું હતું કે કેવી રીતે લોકોને ગંગા સ્નાન બાદ સ્વર્ગ મળે છે.

સોમવતી સ્નાનનો તહેવાર હતો. ગંગા નદીના કિનારે લાખો શ્રદ્ધાળુઓ સ્નાન કરવા આવ્યા હતાં. આ દરમિયાન શિવ-પાર્વતી ફરવા નીકળ્યા હતાં. ત્યારે ગંગાતટ પર ઊભેલી ભીડને જોઈ માતા પાર્વતીએ શિવજીને તેના વિશે પૂછ્યું. ત્યારે શિવજીએ જણાવ્યું કે, આ બધા લોકો આજે સોમવતી પર્વ પર ગંગાસ્નાન કરવા આવ્યા છે. અહી સ્નાન કરવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે.

આ વાત પર પાર્વતીજીના મનમાં સવાલ થયો કે જો ગંગામાં સ્નાન કરવા વાળા આ બધા લોકો સ્વર્ગ જતા રહેશે તો સ્વર્ગનું શું થશે? શું ત્યાં એટલી જગ્યા હોય છે? અને છેલ્લા લાખો વર્ષોથી જે લોકોએ ગંગામાં સ્નાન કર્યું, તેઓ સ્વર્ગમાં કેમ નથી?

આ વાત પર ભોલેનાથે કહ્યું કે, માત્ર શરીર ભીનું કરીને ધોઈ લેવું કાફી હોતું નથી, મનનો મેલ ધોવો પણ જરૂરી હોય છે. ત્યારે પાર્વતીજીએ પૂછ્યું કે તે કેવી રીતે ખબર પડે કે કઈ વ્યક્તિએ માત્ર શરીર ધોયું અને કોણે પોતાનું મન પવિત્ર કરી લીધું?

પાર્વતીજીના આ સવાલનો જવાબ આપતા શિવજીએ કહ્યું કે, હું તમને આ વાત એક ઉદાહરણ આપી સમજાવું છું. હું એક કદરૂપી કોઢીનુ રૂપ લઈ રહ્યો છું અને તમે એક સુંદર કન્યા બની જાવ. પછી આપણે બંને ગંગા સ્નાન માટે જવાવાળા માર્ગ પર બેસી જઈશું. કોઈ કંઈક પૂછે તો મારી જણાવેલી કહાની સંભળાવજો. પાર્વતીજીએ એવું જ કર્યું.

હવે શિવજી કદરૂપી કોઢી બનીને સુઈ ગયા અને પાર્વતીજી સુંદર સ્ત્રી બનીને તેમની બાજુમાં બેસી ગયા. ગંગા સ્નાન માટે જવા વાળા બધા લોકો તેમને ધારીને જોવા લાગ્યા. આ અજીબ જોડી પર કોઈને પણ વિશ્વાસ થયો નહી.

બધાએ એ જ વિચાર્યું કે એક સુંદર કન્યા આ કદરૂપી કોઢી પાસે શું કરી રહી છે?  ઘણાએ તો માતા પાર્વતીજીને પોતાના કદરૂપી પતિને છોડીને પોતાની સાથે ચાલવા માટે પણ કહ્યું. આ વાત પર માતા પાર્વતીને ગુસ્સો પણ આવ્યો પરંતુ શિવજીને આપેલા વચનને કારણે તેઓ શાંત રહ્યા.

જ્યારે કોઈ પાર્વતીજીને આ વાત વિશે પૂછતું હતું તો તેઓ શિવજીએ જણાવેલા શબ્દ કહી દેતા. “આ કોઢી મારો પતિ છે. તેમને ગંગામાં સ્નાન કરવાની ઈચ્છા છે એટલા માટે તેમને હું મારા ખભા પર મૂકીને લાવી છું”. આ કહાની સાંભળી ગંગાસ્નાનની બાજુ જવા વાળા ઘણા લોકોએ પાર્વતીજીની મદદ કરવાની જગ્યાએ તેમને પતિને છોડી દેવાની વાત કહી.  જ્યારે ઘણાએ તો તેમને નજર અંદાજ કરીને પોતાના કામથી કામ રાખ્યું.

ત્યારબાદ એક સજ્જન આવ્યો અને તે આ કહાની સાંભળીને રડી પડ્યો. તેમણે માતા પાર્વતીને પ્રણામ કર્યું અને બોલ્યો, તમારા જેવી સ્ત્રી ધન્ય છે. જે પોતાના પતિની આ પરિસ્થિતિમાં પણ પત્ની ધર્મ નિભાવી રહી છે અને તેમની ઇચ્છાપૂર્તિ માટે તેમને ગંગાસ્નાન કરવા લઈ જઈ રહી છે.

આ સજ્જન પુરુષે પાર્વતીજીને મદદ કરવાનો પ્રસ્તાવ પણ રાખ્યો. તેણે જાતે કદરૂપી રૂપ ધારણ કરેલા શિવજીને ખભા પર ઉઠાવી લીધા અને ગંગા તટ સુધી છોડવાની ઈચ્છા જણાવી. એટલું જ નહી તેણે પોતાની પાસે રાખેલા જવ પણ બંનેને ખવડાવ્યા.

આ રીતે માતા પાર્વતીના મનનું કુતૂહલ શાંત થયું. તેમને સમજાઈ ગયું કે ગંગામાં સ્નાન કરવા આમ તો ઘણા લોકો આવે છે પરંતુ મનની શુદ્ધિ કરીને માત્ર થોડા જ લોકો ફરે છે. શિવજીએ પણ કહ્યું કે, ગંગા સ્નાનનું મહત્વ ત્યારે જ છે જ્યારે તમે મનની શુદ્ધિ પણ કરી લો. બસ આવા લોકોને જ ગંગા સ્નાન બાદ સ્વર્ગની પ્રાપ્તિ થાય છે.

pinal patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *