સુરતના PSIને સેલ્યૂટ : ઇન્સ્ટાગ્રામ પર થયા 1 લાખ ફોલોવર તો લઇ લીધા 100 સરકારી શાળા ના બાળકો ને દત્તક, ઉપાડશે ભણે ત્યાં સુધી નો તમામ ખર્ચ

જે વ્યક્તિ તેની નબળી આર્થિક પરિસ્થિતિમાંથી પસાર થઈને સંઘર્ષ કરીને સફળતા હાંસલ કરે છે તેવી વ્યક્તિ અન્ય લોકોને પણ મદદરૂપ થઈ તેમને લક્ષ્ય પ્રાપ્તિ કરાવવા કાર્યશીલ રહેતી હોય છે. આવું એક પ્રશંસનીય કાર્ય મૂળ જૂનાગઢના કેશોદના બળોદર ગામના વતની અને હાલ સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં PSI તરીકે ફરજ બજાવતા હરેશભાઈ એલ. જેબલિયાએ કર્યું છે.

આ કાર્ય થકી તેમણે રાષ્ટ્રપ્રેમ સાથે શિક્ષણપ્રેમની અનોખી મિસાલ પૂરી પાડી છે. એચ. એલ. જેબલિયાના ઇન્સ્ટાગ્રામ પર 1 લાખ ફોલોઅર્સ થતાં તેમણે નક્કી કર્યા મુજબ ધારીના દઈડા ગામની સરકારી શાળાનાં 100 બાળકને દત્તક લીધાં છે. આ બાળકોને જ્યાં સુધી ભણવું હોય ત્યાં સુધી પોતાના ખર્ચે ભણાવશે. આ અંગે દિવ્ય ભાસ્કર સાથે PSI એચ. એલ. જેબલિયાએ ખાસ વાતચીત કરી હતી, જેના શબ્દશઃ અમે અહીં રજૂ કરી રહ્યા છીએ.

ઇન્સ્ટાગ્રામમાં 1 લાખ ફોલોઅર્સ થતાં બાળકોને દત્તક લીધા

આ અંગે વાત કરતાં PSI એચ. એલ. જેબલિયાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે ” ટ્રેનિંગ બાદ જ્યારે વર્ષ 2019માં મારું પહેલું પોસ્ટિંગ અમદાવાદ સિટીમાં શહેરકોટડામાં થયું એ પછી મેં ખાખી વરદીમાં મારો પહેલો જન્મદિવસ વૃદ્ધાશ્રમમાં મનાવ્યો હતો, જેનો વીડિયો ખૂબ જ વાઇરલ થયો અને આ પછી એ વખતે વૃદ્ધાશ્રમમાં આગામી ચાર મહિનાની તમામ સેવાનું ફુલ બુકિંગ થઈ ગયું હતું.

ત્યારથી મને એવું લાગ્યું કે સોશિયલ મીડિયોના સકારાત્મક ઉપયોગ કરી લોકોને વધુ મદદરૂપ થવું જોઈએ. આ પછી મેં મનોમન નક્કી કર્યું હતું કે જે દિવસે મારા ઇન્સ્ટાગ્રામમાં 1 લાખ ફોલોઅર્સ થશે એ દિવસે સરકારી શાળાનાં હું 100 બાળકને દત્તક લઈશ અને તેમને હું મારા ખર્ચે છેક સુધી ભણાવીશ. આમ, મેં ધારીના દઈડા ગામની સરકારી શાળાનાં 100 બાળકને દત્તક લીધાં છે.”

સરકારી શાળાનાં 100 બાળકને પસંદ કેવી રીતે કર્યાં?

આ અંગે PSI એચ. એલ. જેબલિયાએ જણાવ્યું હતું કે ” અમરેલીના ધારી પાસે આવેલા દઈડા ગામ અંદાજે 1000 લોકોની વસતિ છે. મેં તે ગામની સરકારી શાળાની મુલાકાત લીધી હતી. એ વખતે મેં સ્કૂલના આચાર્ય ભાટી સાહેબને કહ્યું હતું કે આ બાળકોના ભણવાની જવાબદારી મારે લેવી છે. આ સાંભળી આચાર્યએ તરત જ કહ્યું, તમારો વિચાર ખૂબ જ સરસ છે. આ માટે અમે તમને તમામ સપોર્ટ કરીશું. આમ, આ રીતે મેં સરકારી શાળાના 1થી 8 ધોરણના 100 વિદ્યાર્થીને દત્તક લીધા અને અત્યારે તેમની ભણવાની જવાબદારી હું નિભાવી રહ્યો છું.”

100 બાળકના પરિવારની આર્થિક પરિસ્થિતિ કેવી છે?

આ અંગે એચ. એલ. જેબલિયાએ કહ્યું હતું કે ” ધારીના દઈડા ગામમાં દરેક બાળકનાં માતા-પિતા એકાદ-બે એકર જમીનવાળા ધરાવતા સામાન્ય ખેડૂતો છે. આ સિવાય કેટલાક પરિવારો પશુપાલન અને મજૂરીકામ સાથે જોડાયેલા છે, એટલે મેં આ ગામ પસંદ કર્યું અને ગામનાં બાળકો શિક્ષણક્ષેત્રે આગળ વધે એવું નક્કી કર્યું છે.”

ધારીના દઈડા ગામની પ્રાથમિક શાળાનાં બાળકોને PSI એચ. એલ. જેબલિયાએ દત્તક લીધાં એની તસવીર.

ધારીના દઈડા ગામની પ્રાથમિક શાળાનાં બાળકોને PSI એચ. એલ. જેબલિયાએ દત્તક લીધાં એની તસવીર.

બાળકોને ભણાવવામાં લાખો રૂપિયાનો ખર્ચ થશે તો એનો કોઈ રૂટમેપ જણાવશો?

એચ. એલ. જેબલિયાએ કહ્યું હતું કે આ કાર્યમાં આમ તો હું એકમાત્ર નિમિત્ત છું. અત્યારે હું મારા પગારમાંથી 10 ટકાથી વધુ રકમ આપીશ. મારા સોશિયલ મીડિયા દ્વારા અન્ય મિત્રોને જાણ થતાં તેઓ પણ આ કાર્યમાં સહભાગી થઈ રહ્યા છે. મારા ઘણા મિત્રોના ફોન આવ્યા હતા કે આ કાર્યમાં તમામ પ્રકારનો સપોર્ટ અમે તમને કરીશું. આમ, મારા મિત્રવર્તુળમાંથી આર્થિક જરૂરિયાત પણ બાળકો માટે થતી રહેશે.”

દત્તક લીધેલાં બાળકો સરખું ભણી રહ્યા છે કે નહીં એનું ધ્યાન કેવી રીતે રાખશો?

PSI એચ. એલ. જેબલિયાએ કહ્યું હતું કે ” આ માટે મેં એક ટીમ બનાવી છે, જે દર બે-ચાર મહિને બાળકો શિક્ષણ, રમત-ગમત અને વક્તૃત્વ સ્પર્ધામાં આગળ વધે એ માટે ટેસ્ટ લેશે. આ માટે તેમને માર્ગદર્શન પણ આપવામાં આવશે. આ ઉપરાંત મારા ઘણા મિત્રો શિક્ષક છે અને કેટલાક અન્ય ફિલ્ડમાં પણ છે. આ તમામ મિત્રો વિઝિટર તરીકે પણ ત્યાં નિયમિત આવશે અને બાળકો કઈ દિશામાં આગળ વધવા માગે છે એની ટેસ્ટ પણ નિયમિત લેતા રહેશે. આ ટેસ્ટમાં સારું પરિણામ લાવનારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ઇનામ પણ આપવામાં આવશે. આમ, વિદ્યાર્થીઓનું નિયમિત મોનટરિંગ કરાશે.”

PSI એચ. એલ. જેબલિયા.

કોઈ અધવચ્ચે ભણવાનું છોડી દે તો શું કરશો? નવા વિદ્યાર્થીઓને કેવી રીતે જોડશો?

આ અંગે વાત કરતાં PSI એચ. એલ. જેબલિયાએ કહ્યું હતું કે ”ધારીના દઈડા ગામમાં આચાર્યની હાજરીમાં તમામ વાલીઓને બોલાવીને તેમની સાથે મીટિંગ કરી હતી, જેમાં મેં મારા આ કાર્યની વાત કરી હતી. આ પછી બાળકોનાં માતા-પિતાએ કહ્યું હતું કે કોઈ બાળકો ભણતર છોડશે નહીં છતાં જો કોઈ બાળક ભણતર છોડશે તો એનાં કારણોનું વિશ્લેષણ કરાશે અને એ બાળકોના ઘરે હું ખુદ જઈને તેના નડતરરૂપ પ્રશ્નો દૂર કરી તે ભણવાનું ના છોડે એ પ્રકારના 100 ટકા પ્રયત્નો કરીશ.”

હરેશભાઈ એલ. જેબલિયા PSIની પરીક્ષા પાસ કરી માતા-પિતાને મળ્યા એ વખતની તસવીર.
PSI એચ. એલ. જેબલિયાએ જાતમહેનતે પાંચ સરકારી પરીક્ષા પાસ કરી છે

મૂળ જૂનાગઢના કેશોદના બળોદર ગામના હરેશભાઈ જેબલિયા એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવે છે. પરિવારની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને લીધે તેમણે એન્જિનિયરિંગ અને પાંચ સરકારી પરીક્ષા જાતમહેનતે પાસ કરી છે. એક સમયે તેઓ PSIની પરીક્ષા આપવા માટે ટ્યૂશન ક્લાસ કરવાની 40 હજાર ફી ભરી શક્યા નહોતા. 220 PSIની ભરતી આવી ત્યારે એ વખતે કુલ 4 લાખ ફોર્મ ભરાયાં હતાં, જેમાં તેઓ આખા ગુજરાતમાં 53મા નંબરે પાસ થયા હતા.

admin

Leave a Reply

Your email address will not be published.