ગુજરાતમાં રાંદલ માની પૂજા પુત્ર પ્રાપ્તની માટે કરવામાં આવે છે. કહેવાય છે કે, રાંદલ મા વાઝિયાના મેહ્ણા હરે છે તેમના દુઃખ હરે છે. એટલે ખાસ કરીને સ્ત્રીઓમાં રાંદલ પર અતૂટ વિશ્વાસ જોવા મળે છે. હિન્દુ ધર્મ પ્રમાણે રાંદલ માતાના લોટા તેડવાની પ્રથા ખૂબ પ્રચલિત છે. દિકારના લગ્ન હોય કે ઘરે દિકરાનો જન્મ થયો હોય તો શુભ પ્રસંગોમાં રાંદલ માતાનો લોટા તેડવામાં આવે છે.
ગુજરાતીઓ હોંશે હોંશે રાંદલમાના લોટા તેડતા હોય છે. જેમાં કુંવાશીઓ એટલે કે, નાની છોકરીઓને જમાડે છે. તેમજ લોટામાં રાંદલમાનો શણગાર કરીને તેમની બાજટ પર સ્થાપના કરે છે. ત્યારબાદ તેમની પૂજા કરીને અંખડ દીવો પ્રગટાવવામાં આવે છે. પૂજા અર્ચના કરીને માતાજીના ગરબા ગાવામાં આવે છે અને ઘોડો ખુંદવામાં આવે છે.
આવો જાણીએ લોટા તેડાવવા પાછળનું શું છે મહત્વ? અને શું છે આ પરંપરા પાછળની કહાણી….
માતા રાંદલ ભગવાન સૂર્યના પત્ની છે અને રાજા યમ અને નદી યમિનનાના માતા પણ છે. જ્યારે શનીદેવ અને તાપી નદી માતા રાંદલનાં છાયાના સંતાનો છે. સૂર્ય દેવે માતા અદીતીની ઇચ્છાને માન આપીને માતા રાંદલ સાથે લગ્ન કર્યા હતા.
એકવાર માતા અદિતિ ભગવાન સૂર્યને લગ્ન કરવા માટે મનાવે છે. સૂર્ય ભગવાન માની જાય છે, ત્યારે માતા આદિતી દેવી કંચના પાસે જાય છે અને પોતાની દીકરી રન્નાદેનો હાથ તેના દીકરા સૂર્ય માટે માંગે છે. માતા કંચના તો ના પાડે છે અને કહે છે કે,
તમારો દીકરો તો આખો દિવસ ઘરની બહાર રહે છે. મારી દીકરી તો ભૂખે મરી જાય.ત્યારે એ જ સમયે કંચના દેવી માતા અદિતિના ઘરે તાવડી માંગવા માટે આવે છે અને ત્યારે માતા અદીતી કહે છે કે, હું તાવડી તો આપું પણ જો ટૂંટી જશે તો હું ઠીકરીની જગ્યાએ દીકરી માંગીશ.
જ્યારે કંચના દેવી તાવડી લઈને રસ્તામાં જતા હોય છે ત્યારે, બે આખલા લડાઈ કરતા- કરતાં તેમને અથડાય છે અને કંચના દેવીના હાથમાં રહેલી તૂટી જાય છે. ત્યારબાદ પોતાની શરત મુજબ રન્નાદેના લગ્ન ભગવાન સૂર્યદેવ સાથે થયા થાય છે.
લગ્ન પછી રાંદલ માતા સૂર્યભગવાનના તેજ સામે રહી શકતા નહોતા. તે સૂર્ય ભગવાન તરફ નજર પણ માંડી શકતા ન હતા. એટલે તેમણે તેમનું બીજું રૂપ છાયાને પ્રગટ કરીને તે પિયર જતાં રહે છે. પછી તેમના પિતા સમજાવે છે કે, દીકરી તો સાસરે જ શોભે. આવા તિરસ્કાર ભરેલા શબ્દોથી માતા રાંદલને દુઃખ થાય છે અને તેઓ પૃથ્વી પર ઘોડીનું સ્વરૂપ લઈને આવે છે ને એક પગે ઊભા રહીને તપ કરે છે.
બીજી બાજુ છાયાને ભગવાન સૂર્ય રન્નાદે સમજે છે. તે દરમિયાન માતા છાયા પુત્ર શનિ દેવ અને તાપીને જન્મ આપે છે. એક સમયે યમ અને શનિને ખૂબ લડાઈ થાય છે અને એ સમયે યમને છાયા શ્રાપ આપે છે. આ સાંભળી ભગવાન સૂર્યનારાયણ દેવ વિચારે છે કે,
છાયા એ યમની માતા છે અને માતા કોઈ દિવસ દીકરાને શ્રાપ આપે નહી. નક્કી વાતમાં કંઈક રહસ્ય છે. એ સમયે એ સાચું શું છે એ જાણવા છાયાને પૂછે છે. ત્યારે છાયા કહે છે કે, હું રાંદલની છાયા છું. માતા રાંદલ તો પૃથ્વી પર ઘોડી સ્વરૂપે તપ કરી રહ્યા છે.
આ જાણી ભગવાન સૂર્ય પણ ઘોડાનું સ્વરૂપ લઈ પૃથ્વી ઉપર આવે છે. માતા રાંદલનું તપ ભંગ કરે છે. ત્યારે અશ્વ ઘોડો અને અશ્વિની ઘોડીનાં નસ્કોરામાંથી અશ્વિનીકુમારીનું સર્જન થાય છે.
સૂર્યનારાયણદેવ દેવી રાંદલના કહેવાથી તેમનું તેજ ઓછું કરે છે
અને આ પૃથ્વીને તેમના આકરા તાપથી બચાવવાનું વચન આપે છે. સાથે જ દેવી રાંદલનાં તપથી પ્રસન્ન થઈને ભગવાન સૂર્યએ વરદાન આપ્યું કે, જે કોઈ દેવી રાંદલનાં બે લોટા તેડશે. તેમના ઘરમાં, સુખ, શાંતિને પ્રગતિ થશે. એક લોટો દેવી રાંદલનો અને એક લોટો દેવી છાયાનો. આમ, રાંદલ છાયાના લોટા તેડવાની પરંપરા બની. જે આજે પણ જોવા મળે છે.