આજે આપણે સ્ત્રીઓને થતાં સૌથી ખતરનાક કેન્સર અંગે જાણીશું. મનુષ્ય એ એક પ્રાણી છે જેમાં સ્ત્રીઓને કુદરતે પ્રજન્નનું વિશેષ કામ સોંપેલું છે. જેના મુખ્ય બે અંગ છે-સ્તન અને ગર્ભાશય. સ્તનનું કેન્સર ભયંકર છે પણ તેમાં ગાંઠ થતાં સહેલાઇથી નિદાન શકય છે જયારે ગર્ભાશયના કેન્સર અંગે સ્ત્રીઓને મોડે ખબર પડે છે તેથી મેાટે ભાગે રોગ આગળ વધી ગયા પછી નિદાન થતા તે સ્ત્રીઓને વધારે નડે છે.
પરદેશમાં સ્ત્રીઓની ત્રિવાર્ષિક ધોરણે શારીરિક તપાસ થતી રહે છે અને તેથી કેન્સર નિદાન વેલાસર થવાથી સ્ત્રીઓની જિંદગી લાંબી બની રહે છે. ભારતમાં સ્ત્રીઓના કેન્સર નિદાનનું કામ દરેક જ્ઞાતિ મંડળ કે મહિલા સંસ્થા દ્વારા થવું જોઇએ. ગર્ભાશયના મુખ્ય ત્રણ ભાગ છે, (1)ગર્ભાશયનું મોટું ગોળાકાર શરીર (2)ગર્ભાશયનું મુખ (3)અંડપિંડ, આજે ગર્ભાશયના મુખના કેન્દ્ર વિશે જાણીશું.
ગર્ભાશયના મુખના કેન્સરના ચિન્હો
(1) યોનિમાંથી લોહી પડવું શરીર સમાગમ પછી, બે માસિક વચ્ચે કે, રજોનિવૃત્તિ પછી-મેનોપોઝ બાદ (2) શરીર સમાગમ વખતે દર્દ થવું, (3) યોનિમાંથતી સફેદ કે ગંદો રસ કે પાણી પડવું, (4) દર મહિને આવતા માસિકમાં મોટો ફેરફાર થવો-ખૂબ વધારે આવવું, ગંધ સાથે આવવું.
પેપ્સ ટેસ્ટ કયારે કયારે કરાવવો?
21 વર્ષથી નાની અને 65 વર્ષથી મોટી સ્ત્રીઓને આની જરૂર નથી. જે સ્ત્રીને કોઇ પણ કારણસર ગર્ભાશય કાઢી નાંખેલું છે તેણે પણ આ ટેસ્ટ કરાવવાની જરૂર નથી. 30 વર્ષથી 65 વર્ષની સ્ત્રીઓએ દર 3 વર્ષ પેપ્સ ટેસ્ટ કરાવવો જોઇએ.
કેન્સરના એડવાન્સ સ્ટેજનાં ચિન્હો
(1) વારંવાર લોહી પડવાથી સ્ત્રીના શરીરમાં લોહીના ટકા ઘટી જવા, સ્ત્રી ફિકકી દેખાય, સ્ત્રીને થા લાગે, દાદરો ચઢતા કે ઝડપથી ચાલતા હાંફ ચઢે, (2) કમરમાં કે પેઢુંમાં દુખાવો થાય, (3) પેશાબમાં રુકાવટ થાય-તે દર્શાવે છે કે રોગ હવે ગર્ભાશયની નજીક આવેલી પેશાબની કોથળી કે પેશાબની નળી પર ફેલાઇને અસર થવા લાગી છે. (4) યોનિ માર્ગે કે, સંડાસમાં પેશાબ નીકળવો. આ દર્શાવે છે કે, હવે રોગ ગર્ભાશયમાંથી નજીકની યોનિ માર્ગમાં અને મળ માર્ગમાં ફેલાયો છે, જે વધારે ગંભીર કહેવાય. (5) વજન ઘટી જવું.
કેન્સરનું નિદાન
પેપીનીકોલાવ નામના વિજ્ઞાનીએ પેપ્સ ટેસ્ટની શોધ કરી હતી. તેમના નામ પરથી ટૂંકમાં તેને પેપ્સ ટેસ્ટ કહે છે. આમાં સાદા લાકડાની ચમચી-આઇસ્ક્રીમ ખાવા વાપરીએ છે તેવી ચીજથી ગર્ભાશયના મુખની આસપાસ ફેરવીને પાણી લેવામાં આવે છે. તેને કાચની એક સ્લાઇડ પર પાથરી દઇ સૂકવ્યા પછી સૂક્ષ્મદર્શક યંત્ર નીચે જોઇને લેબોરેટરીના નિષ્ણાંત તબીબ કેન્સરના સેલ-કોષ છે કે નહિ, તે નક્કી કરે છે. આ ટેસ્ટ દરમ્યાન સ્ત્રીને કોઇ દર્દ થતું નથી તેથી ગભરાવા જેવું નથી. આ ટેસ્ટ દ્વારા કેન્સર નિદાન ખૂબ વહેલું અને શરૂ થતામાં જ થઇ જાય છે.
પછી ગર્ભાશય કાઢી નાખવાનું કોથળી કાઢી નાખવાનું ઓપરેશન કરી કેન્સરને જડમૂળથી નષ્ટ કરી શકાય છે. તદુપરાંત સ્ત્રીઓના નિષ્ણાંત તબીબ યોનિમાર્ગની તપાસ કરીને, સોનોગ્રાફીથી પણ નિદાન કરે છે. રોગ કયાં ફેલાયો છે તે જોવા સીટી સ્કેન, એમ.આર.આઇ., પી.ઇ.ટી. સ્કેન (પેટ સ્કેન), છાતીનો ફોટો લેવામાં આવે છે. ગર્ભાશયના મુખનો બારીક ટુકડો લઇને-બાયોપ્સી કરીને પાકું નિદાન-કેન્સર કયા તબક્કે-સ્ટેજ પર છે. ખાસ મશીન વડે-કોલ્પોસ્કોપી દ્વારા પણ ગર્ભાશયના આવરણ પરના રંગ ભેદથી નિદાન કરાય છે.
કેન્સર કેવી રીતે આગળ છે?
જો શરૂઆતમાં જ આ કેન્સરનું નિદાન થઇ જાય તો સારવાર સહેલી છે. પરંતુ જો સમય નીકળી જાય તો આસપાસના અવયવો જેવા કે યોનિ માર્ગમાં, મળ માર્ગમાં, પેશાબની કોથળી અને પેશાબની નળી સુધી રોગ ફેલાઇ જાય છે. આને સ્થાન્કિ ફેલાવો કહે છે.આની અગત્યતા એ છે કે જયારે સ્ત્રી રોગના કેન્સરના નિષ્ણાંત સર્જન ગર્ભાશયનું ઓપરેશન કરે ત્યારે પેટમાં રહેલી લસીકા ગ્રંથિઓની આ બધી ગાંઠોને વીણી વીણીને બહાર કાઢી નાખે છે. જે એક મોટુ-સુપર મેજર ઓપરેશન કહેવાય.
ગર્ભાશયના મુખના કેન્સરની સારવાર
જો વેલાસર નિદાન થઇ જાય તો કોથળી કાઢવાનું સાદું ઓપરેશન કોઇ પણ સ્ત્રી રોગ નિષ્ણાંત તબીબ કરી આપે છે. જો રોગ આગળ વધી ગયો હોય તો સુપર મેજર ઓપરેશન ઉપર જણાવ્યા મુજબ કરવું પડે. ઉમક સ્ત્રીઓને કિમોથેરાપી કે રેડિયોથેરાપી આપવી પડે જે વિશિષ્ટ કેન્સરના દવાખાનામાં જ ઉપલબ્ધ હોય છે.
કેન્સરના કારણો
કેન્સર એટલે શરીરના કોષ-સેલનું અયોગ્ય રીતે વધવું. ગર્ભાશયનો મોટો ગોળાકાર ભાગ જેમાં ગર્ભ જામે છે અને બાળક વિકાસ પામીને મોટું થાય છે તે અને ગર્ભાશયનું મુખ આ બન્ને વચ્ચેના જોડતા ભાગ-જંકશન પર કાયમ નિયમિત પણે નવા કોષ બનતા રહે છે.
અગમ્ય કાણોસર આ કોષ વધવા લાગે તો કેન્સર ઉદભવે છે જેને આપણે ગર્ભાશયના મુખનું કેન્સર કહીએ છીએ. હાલમાં હ્યુમન પેપીલોમા વાઇરસ એચ.પી.વી. ગર્ભાશયના મુખના કેન્સર માટે કારણભૂત છે તેવું સંશોધન થયેલું છે. બીજા કારણ તરીકે જે સ્ત્રી એક કરતા વધારે પુષો સાથે સહશયન કરે તો પણ આ કેન્સર થઇ શકે છે અને સિગારેટ પીવાથી પણ કેન્સર થઇ શકે છે.