૧) વહેલાં ઉઠવું:-
‘વહેલી સવાર તો મોંમાં સોનું લઈને આવે છે’ એવું બેન્જામીન ફ્રેન્કલીન જેવાં મહાનુભાવે કહેલું. વહેલાં ઉઠવાનો મોટો ફાયદો એ કે એનાથી તણાવમાં ઘટાડો થાય છે. વહેલા ઉઠો એટલે સ્વાભાવિકપણે જ તમારી પાસે સમય પૂરતો હોય અને બધું કામ હડબડીમાં થવાની જગ્યાએ શાંતિથી કરી શકો. વળી, આશાથી ભર્યા ભર્યા મને તમે દિવસની શરૂઆત કરી શકો છો અને આવી હકારાત્મકતા આખા દિવસ દરમ્યાન વર્તાય છે. અને તમે કુદરતનાં લય સાથે તાલ મિલાવતા હો તો કુદરત તમને સ્વસ્થતા તો બક્ષવાની જ છે ને!
૨) અંગકસરત:-
શારીરિક રીતે સક્રિય રહો. કોઈ રમત, દોડવું, વજન ઉંચકવું, યોગાસન કરવાં, નૃત્ય કે પછી ગમતી પ્રવૃત્તિ કરવી જોઈએ. લાંબો સમય એકધારા બેસી રહેવાથી સ્વાસ્થ્યને માઠી અસર પહોંચે છે. તમે શું ખાવ છો એ પણ જુઓ. નાની નાની કસરત પણ કરી શકાય – જેમકે, લિફ્ટમાં જવાની જગ્યાએ દાદરાનો ઉપયોગ, નજીક જ જવું હોય તો કાર લેવાની જગ્યાએ ચાલતા જવું. શરૂઆતમાં હળવી કસરત અને પછી એની માત્ર વધારી શકાય.
૩) મનની શાંતિ:-મનમાં ચાલતા સંઘર્ષો અને ભયને રૂખસદ આપી દો.
તનાવને હાવી ન થવાં દો – આવું કહેવું સહેલું છે એ અમે પણ જાણીએ છે પણ તમે મેડીટેશન દ્વારા તનાવ પર વિજય મેળવી શકો. રોજ ૫ મિનીટ ધ્યાનથી એની શરૂઆત કરી શકાય.
વર્તમાનમાં જીવો અને ભવિષ્યની ચિંતાઓ છોડો.
૫-૫-૫નો નિયમ કદાચ તમને બહુ મદદરૂપ થશે – એ મુજબ જયારે ચિંતા હાવી થવાં માંડે તો વિચારો કે આ બાબત ૫ મિનીટ, પાંચ મહિના કે પાંચ વર્ષને અસર કરે છે કે?
૪) પૂરતા પ્રમાણમાં પાણી પીઓ:-
હંમેશા જોડે પાણીની બોટલ રાખવી અને ક્યાંય સફર કરતા હો કે ઓફિસમાં હો કે ઘરે હો ત્યારે વચ્ચે વચ્ચે પાણી અવશ્ય પીતા રહેવું.
રોજનું ઓછામાં ઓછું ૩ લીટર અને વધુમાં વધુ ૮ લીટર પાણી પીવું જોઈએ. પાણી શરીરમાંથી ઝેરી તત્વોને બહાર ફેંકી દે છે.
૫) સ્વસ્થ આહાર:-
શારીરિક ચુસ્તી સાથે જરૂરી છે આપણે કેવો આહાર લઈએ છે તે જાણીએ.
શરીર એક સંકુલ મશીન જેવું છે એટલે એની પ્રણાલી ખોરવાય નહિ તેનું ખાસ ધ્યાન રાખો. જંક ફૂડને ટાળી પોષણક્ષમ આહાર લો. શાકભાજી ખાવ અને ભોજન સમયે સલાડ ખાવાનું તો જો જો ભૂલતા!
૬) પૂરતા પ્રમાણમાં ઊંઘ:-
આપણું શરીર નિંદ્રા દરમ્યાન મરમ્મતનું કાર્ય કરે છે. જો આપણે પુરતી ઊંઘ નથી લેતાં તો આ પ્રક્રિયા ખોરવાય છે. રોજની ૬થી ૮ કલાકની ઊંઘ આ શરીર માટે જરૂરી છે. અને હા, સૂતી વેળા ડીજીટલ ડીવાઈસોને પણ ‘સાઈલન્ટ મોડ’ પર મૂકી દેશો તો ઉત્તમ રહેશે!
દોસ્તો, ખુશ રહો, સ્વસ્થ રહો, મસ્ત રહો!