કૉલેસ્ટરોલ જેવી તકલીફમાં ફક્ત ગોળીઓ લીધા કરવાને બદલે થોડીક મહેનત કરી લાઇફ-સ્ટાઇલ સુધારી એક્સરસાઇઝ-ડાયટ પર ધ્યાન આપીને, ઊંઘ ઠીક કરીને ઘણાં સારાં પરિણામો મેળવી શકાય છે.

ચેમ્બુરમાં રહેતા સંજય મહેતાને ખૂબ નાની ઉંમરમાં રૂટીન ટેસ્ટમાં જાણવા મળ્યું કે તેમને કૉલેસ્ટરોલ છે. તેમણે ડૉક્ટરની સલાહ મુજબ દવાઓ શરૂ કરી. એના એકાદ વર્ષ પછી તેમણે વજન ઉતારવાનું શરૂ કર્યું અને એની સાથે-સાથે તેમના વધેલા કૉલેસ્ટરોલ પર પણ કામ કરવાનું શરુ કર્યું.

અમુક પ્રકારનું ખાસ ડાયટ શરુ કરવાથી અને રેગ્યુલર એક્સરસાઇઝ કરવાથી ધીમે-ધીમે તેમનું કૉલેસ્ટરોલ બૅલૅન્સ થવા લાગ્યું. ધીમે-ધીમે દવા પરનું અવલંબન ઘટ્યું. તેમના ડાયટ અને એક્સરસાઇઝના રૂટીનમાં ઘણાં વિઘ્નો આવ્યાં, કારણ કે કામને કારણે તેમને સતત બહારગામ ટ્રાવેલ કરતા રહેવું પડતું હતું. છતાં પણ તેમણે ધીરજ રાખી અને જેટલું ધ્યાન રાખી શક્યા એ તેમણે રાખ્યું. એનું પરિણામ એ આવ્યું કે થોડા મહિનાઓની અંદર તેમનું ફૅટ મેટાબોલિઝમ એકદમ ઠીક થઈ ગયું અને કૉલેસ્ટરોલની દવા સાવ બંધ કરી દેવામાં આવી.

મોટા ભાગના લોકો જેમને બ્લડ-પ્રેશર, ડાયાબિટીઝ, ઓબેસિટી જેવી તકલીફ હોય તેમને કૉલેસ્ટરોલનો પ્રૉબ્લેમ આવી જ જતો હોય છે. આ સિવાય જેને ફાંદ હોય તેને પણ આ તકલીફ હોય છે. તમને કૉલેસ્ટરોલ છે કે નહીં એ ફક્ત ને ફક્ત ટેસ્ટ દ્વારા જ ખબર પડે છે. એટલે જ ૩૦ વર્ષની ઉંમર પછી દર ૩-૫ વર્ષે લિપિડ પ્રોફાઇલની ટેસ્ટ કરાવવાનું ડૉક્ટર સૂચવતા હોય છે. જો તમે એ ટેસ્ટ કરો તો સમજાય છે કે તમારા શરીરની ફૅટ્સ કેટલી વધારે કે ઓછી છે.

ફક્ત કૉલેસ્ટરોલ જ નહીં; કૉલેસ્ટરોલના બન્ને પ્રકાર એટલે કે સારું અને ખરાબ બન્ને કૉલેસ્ટરોલ, ટ્રાઇગ્લિસરાઇડ વગેરે પ્રકારની ફૅટ્સ પણ ખબર પડે છે. જો એમાં ઇમ્બૅલૅન્સ હોય તો એની અસર શરીર પર અલગ-અલગ રીતે પડતી હોય છે. સામાન્ય રીતે લોકો કૉલેસ્ટરોલ આવે ત્યારે ડૉક્ટરને મળવા જાય અને ડૉક્ટરને જો આ ઇમ્બૅલૅન્સ વધુ લાગે તો એની દવા ચાલુ કરી દે.

એ એક ટીકડી લેવાનું ભારણ જે લોકોને લાગતું નથી તે જીવન પર્યંત આ ટીકડી લીધે રાખે છે. જોકે એને લીધે પણ અમુક કૉમ્પ્લીકેશન આવે છે જેની વાત આપણે નિષ્ણાત સાથે કરીશું. પરંતુ ઘણા લોકો સંજય મહેતા જેવા પણ છે જે વિચારે છે કે એવું કંઈક કરીએ જેનાથી આ એક ટીકડી પણ જે લઈએ છીએ એ બંધ થઈ જાય અને એ લોકો કરી બતાવે છે. આજે જાણીએ કૉલેસ્ટરોલ વિશે. ખાસ કરીને એના ઇમ્બૅલૅન્સને સંપૂર્ણ રીતે દૂર કઈ રીતે કરી શકાય એ પણ સમજીએ.

બે પ્રકાર અને ઉપયોગ

કૉલેસ્ટરોલ આપણા શરીરના લિવરમાં બનતું ખૂબ જ અગત્યનું ઘટક છે. આ એક ફૅટનો પ્રકાર છે જે લોહીમાં ઓગળતું નથી. લોહી સાથે એ વહ્યા કરે છે. આ કૉલેસ્ટરોલના મુખ્ય બે પ્રકાર છે, જેની સારા અને ખરાબ કૉલેસ્ટરોલમાં વહેંચણી કરી દેવામાં આવી છે. ખરા અર્થમાં તો આ બન્ને પ્રકારના કૉલેસ્ટરોલની શરીરને જરૂર રહે જ છે.

કૉલેસ્ટરોલનો એક પ્રકાર છે HDL કૉલેસ્ટરોલ જેને હાઈ ડેન્સિટી લિપોપ્રોટીન કહે છે અને બીજો પ્રકાર છે LDL જેને લો ડેન્સિટી લિપોપ્રોટીન. આ બન્ને કૉલેસ્ટરોલનું ઉત્પાદન લિવરમાં જ થાય છે. એને ઉત્પન્ન કરવા પાછળ શરીરનો એક મુખ્ય હેતુ છે અને એ હેતુ છે રિપેરિંગ. નસોની લાઇનિંગ બનાવવા માટે શરીર કૉલેસ્ટરોલનો ઉપયોગ કરે છે, જ્યારે એ લાઇનિંગ તૂટી જાય ત્યારે રિપેરિંગ કામ પણ કૉલેસ્ટરોલ દ્વારા જ થાય છે.

તેલ-ઘી જ કારણ નથી

૯૦-૯૫ ટકા કેસમાં વ્યક્તિને કૉલેસ્ટરોલની તકલીફ એટલે આવે છે કે તેની લાઇફ-સ્ટાઇલ ખોટી હોય છે. આ રોગ અત્યારે વધુ એટલે જ દેખાય છે, કારણ કે આપણું દૈનિક જીવન ઘણું બદલાઈ ગયું છે. જોકે લોકોને લાગે છે કે ઘી-તેલ ખાવાને લીધે વ્યક્તિને કૉલેસ્ટરોલ થાય છે. હકીકત એ નથી. જે લોકો કૉલેસ્ટરોલ સંબંધિત સમસ્યા ધરાવે છે તેમને લાગે છે કે તેમની ડાયટ ઠીક કરશે એટલે બધું થઈ ગયું. પરંતુ એવું છે નહીં.

એ સમજાવતાં ડૉ. સુશીલ શાહ કહે છે, ‘જે ખોરાકમાંથી આપણને કૉલેસ્ટરોલ મળે છે એ કુલ કૉલેસ્ટરોલનો ૩૦ ટકા જેટલો ભાગ હોય છે. બાકીનું ૭૦ ટકા કૉલેસ્ટરોલ લિવર બનાવે છે. આમ જો કોઈ વ્યક્તિનું કૉલેસ્ટરોલ ૨૦૦ આવે અને તે સાવ ફૅટ ખાવાનું બંધ કરી દે તો પણ તેનું કૉલેસ્ટરોલ ૧૪૦ રહેશે જ. એનો અર્થ એ થયો કે ખોરાકથી વધુ ફરક પડતો નથી. ઘણા લોકોનું લિવર જ વધુ કૉલેસ્ટરોલ બનાવતું હોય છે. આ સંજોગોમાં લિવર સારી ક્વૉલિટીનું કૉલેસ્ટરોલ બનાવે, નિયંત્રિત માત્રામાં બનાવે એ જરૂરી છે. ફક્ત તેલ-ઘી બંધ કરી દેવાથી પ્રૉબ્લેમ સુધરવાનો નથી.’

જે ખોરાકમાંથી આપણને કૉલેસ્ટરોલ મળે છે એ કુલ કૉલેસ્ટરોલનો ૩૦ ટકા જેટલો ભાગ હોય છે. બાકીનું ૭૦ ટકા કૉલેસ્ટરોલ લિવર બનાવે છે. આમ જો કોઈ વ્યક્તિનું કૉલેસ્ટરોલ ૨૦૦ આવે અને તે સાવ ફૅટ ખાવાનું બંધ કરી દે તો પણ તેનું કૉલેસ્ટરોલ ૧૪૦ રહેશે જ

લિવર અને કૉલેસ્ટરોલ

લિવર પર ફૅટ જમા થતું જાય તો એને ફૅટી લિવર નામનો રોગ થયો છે એમ કહેવાય. ફૅટી લિવર અને કૉલેસ્ટરોલને ઘણો ગાઢ સંબંધ છે એ જણાવતાં ફિમ્સ ક્લિનિક, માટુંગા અને વિલે પાર્લેનાં હીલિંગ ડાયટ સ્પેશ્યલિસ્ટ ધ્વનિ શાહ કહે છે, ‘જે લોકોને કૉલેસ્ટરોલની તકલીફ છે એ લોકો એની દવા ખાય છે. જો આ લોકો લાંબા સમયથી ડાયાબિટીઝ, બ્લડ-પ્રેશર કે કૉલેસ્ટરોલની દવા ખાતા હોય તો એ દવાની સાઇડ-ઇફેક્ટરૂપે તેમને ફૅટી લિવરની સમસ્યા આવી શકે છે.

બીજી તરફ જેને ફૅટી લિવર હોય તેના લિવરનું કામ ખોરવાય છે, જેના ભાગરૂપે તેમને કૉલેસ્ટરોલ આવી શકે છે. આમ આ બન્ને રોગ પરસ્પર જોડાયેલા છે. સંજય મહેતાના કેસમાં પણ આવું જ બન્યું હતું. તેમને કૉલેસ્ટરોલ તો હતું જ, પરંતુ ફૅટી લિવર પણ નીકળ્યું હતું. જેમને કૉલેસ્ટરોલ હોય તેમણે એ ચેક કરાવવું જોઈએ કે તેમને ફૅટી લિવરની સમસ્યા છે કે નહીં. આ બન્ને તકલીફો જો સાથે હોય તો દવાઓ લીધા કરવાને બદલે નિષ્ણાતની મદદ લઈને લાઇફ-સ્ટાઇલમાં જરૂરી ફેરફારો કરવાથી આ બન્ને તકલીફને જડથી દૂર કરી શકાય છે.’

શું કરવું?

એક્સરસાઇઝ, સ્ટ્રેસ-ફ્રી લાઇફ, વ્યવસ્થિત ઊંઘ, સમતોલ આહાર, સ્મોકિંગ અને આલ્કોહૉલનું સેવન ન કરીને લાઇફ-સ્ટાઇલ સુધારવાથી ઘણાં સારાં પરિણામો મળી શકે છે. આ બધી જ વસ્તુઓ પર ધ્યાન દઈએ તો ચોક્કસ કૉલેસ્ટરોલના ઉત્પાદનમાં ફરક પડે છે એમ સમજાવતાં ધ્વનિ શાહ કહે છે, ‘સૌથી પહેલાં વ્યક્તિનું ફૅટ મેટાબોલિઝમ સુધારવું પડે છે.

એટલે કે શરીરમાં ઉપયોગી ફૅટ્સ મળી રહે અને બિનજરૂરી ફૅટ્સ જમા ન થાય એનું જે બૅલૅન્સ છે એ ખોરવાવું ન જ જોઈએ. જો એ ખોરવાઈ ગયું હોય તો એને સુધારવું પડે. જે લોકોને લાંબા સમયથી કૉલેસ્ટરોલ હોય અને દવા ચાલુ હોય તેમને પણ લાઇફ-સ્ટાઇલમાં સુધારથી સારાં પરિણામો મળી શકે છે. તેમની પણ દવા બંધ થઈ શકે છે અને મહત્વનું એ છે કે કૉલેસ્ટરોલનું બૅલૅન્સ શરીરમાં સારુંં થઈ જવાથી હાર્ટ-પ્રૉબ્લેમનું રિસ્ક ઘટી જાય છે.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here