હિન્દુ સંસ્કૃતિ અનુસાર અધિક મહિનાનું અત્યંત મહત્વ ગણાય છે. ભારતીય કૅલેન્ડર અનુસાર દર ત્રણ વર્ષ બાદ વર્ષમાં 12ની જગ્યાએ 13 મહિના આવતાં હોય છે અને આ તેરમા મહિનાને ‘અધિક માસ’ કહેવામાં આવે છે. આ પાછળ સૂર્ય અને ચંદ્ર વર્ષ કારણભૂત છે.

આ બંનેની ગણતરીમાં આવતો તફાવત 3 વર્ષે અધિકમાસ સ્વરુપે કેલેન્ડરમાં એડ કરવામાં આવે છે. પશ્ર્ચિમી કેલેન્ડરમાં આવતું લીપ વર્ષ પણ સૂર્ય અને ચંદ્ર કેલેન્ડરનું જ પરિણામ હોવાનું કહેવાય છે. જો કે, તેમાં દર ચોથા વર્ષે ફેબ્રુઆરી માસનો એક દિવસ જ વધે છે જ્યારે અહીં સંપૂર્ણ મહિનો. આવું કેમ, ચાલો આજે જાણીએ અધિક માસનું ધાર્મિક અને ખગોળકીય મહત્વ.

ભારતીય જ્યોતિષ પ્રમાણે પંચાંગ ગણના મુજબ એક સૌર વર્ષમાં 365 દિવસ, 15 ઘડી, 31 પળ અને 30 વિપળ હોય છે. જ્યારે ચંદ્ર વર્ષમાં 354 દિવસ, 22 ઘડી, 1 પળ અને 23 વિપળ હોય છે. આમ સૂર્ય અને ચંદ્ર વર્ષમાં 10 દિવસ,53 ઘડી, 30 પળ અને 7 વિપળનું અંતર પ્રત્યેક વર્ષ દરમિયાન રહી જાય છે. જેને સમાયોજીત કરવા માટે અધિક માસની વ્યવસ્થા કરવામાં આવી છે. અધિક માસવાળા વર્ષમાં જે મહિના દરમિયાન સૂર્ય સંક્રાંતિ ન હોય તેને અધિક માસ કહેવાય છે. સામાન્ય રીતે આ મહિનો ભારતીય કેલેન્ડરના ફાગણ થી કાર્તક મહિનાની વચ્ચે આવે છે.

કેટલાંક કાર્યો વર્જિત છે..
અધિક માસ દરમિયાન કેટલાક નિત્ય કર્મ, કેટલાક નૈમિત્તિક કર્મ અને કેટલાક કામ્ય કર્મોને વર્જ્ય ગણવામાં આવ્યા છે. જેવા કે વિવાહ, મુંડન, નવવધુ પ્રવેશ, ગૃહપ્રવેશ, નવા કપડા ધારણ કરવા, નવું વાહન ખરીદવું, બાળકનું નામકરણ, વગેરે નિષેધ છે.

એકટાણાનું વ્રત કરવું જોઈએ..
અધિક માસની શરુઆત થતા જ પ્રથમ દિવસે વહેલી સવારે ઉઠીને સ્નાન વગેરેથી પરવારી સૂર્ય નારાયણની પુષ્પ, ચંદન અને અક્ષત મિશ્રિત જળ ચઢાવી પૂજા કરવી જોઈએ. આ માસ દરમિયાન શક્ય બને તો રોજ ચોખ્ખા ઘીની મીઠાઈ ગરીબ વ્યક્તિને દાન આપવી જોઈએ. ગાયને નિણ નાખવું જોઈએ. તેમજ ઉપવાસ અથવા એકટાણાનું વ્રત કરવું જોઈએ.

રોગમાંથી છૂટકારા માટે..
આ માસમાં મૃત વ્યક્તિનું પ્રથમ શ્રાદ્ધ કરી શકાય છે. રોગમાંથી છૂટકારા માટે નિરંતર મહામૃત્યુંજ, રુદ્ર જાપ કરવા જોઈએ. ઉપરાંત તમને જેમના પર શ્રદ્ધા હોય તે દેવ-દેવીનું અનુષ્ઠાન કરી શકો છો. આ માસ દરમિયાન દુર્લભ યોગનો પ્રયોગ, સંતાન જન્મના પ્રયોગ, પિતૃ શ્રાદ્ધ, ગર્ભાધાન, સીમંત સંસ્કાર કરી શકાય છે.

અધિક માસનું ધાર્મિક મહત્વ
હિન્દુ શાસ્ત્રોમાં અધિક માસને ખૂબ પવિત્ર ગણવામાં આવ્યો છે. માટે જ આ મહિનાને પુરુષોત્તમ માસ પણ કહેવામાં આવે છે. અહીં પુરુષોત્તમ એટલે ભગવાન વિષ્ણુનો માસ એવો અર્થ છે. શાસ્ત્રો મુજબ અધિકમાસમાં વ્રત પારાયણ કરવું, પવિત્ર નદીઓમાં સ્નાન કરવું અને તિર્થ સ્થાનમાં દર્શન કરવા ખૂબ પુણ્યપ્રદ છે. જોકે આ મહિના દરમિયાન યજ્ઞોપવિત, લગ્ન, રાજ્યભિષેક ઉપરાંત કોઈ કાર્યસિદ્ધી માટે કરવામાં આવતા કર્મકાંડ કે પૂજા કરવી વર્જ્ય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here