જ્યારથી આપણાં જીવનમાં વણબોલાવેલો શત્રુ ‘કોરોના’ આવ્યો છે, ત્યારથી આપણાં માટે એક શબ્દ અત્યંત પ્રચલિત બની ચૂક્યો છે અને તે શબ્દ છે ‘ઈમ્યુનિટી સિસ્ટમ’! ગુજરાતીમાં કહીએ તો રોગપ્રતિકારક શક્તિ! આ બલા આપણને બહારથી આવતી બલા (રોગ)થી બચાવે છે.
ટૂંકમાં જેની રોગપ્રતિરકારક શક્તિ મજબૂત હોય તેઓને બહુ બિમારીઓ લાગુ પડતી નથી. કેટલાંક લોકોની ઈમ્યુનિટી સ્ટ્રોન્ગ તો કોઈની નબળી હોય છે, ટૂંકમાં બધાં લોકોની રોગપ્રતિકારક શક્તિ અલગ-અલગ હોય છે. ઈમ્યુનિટિ સિસ્ટમ લોહીમાં રહેલાં સફેદ કણ, ઍન્ટિબૉડી સહિત અન્ય કેટલાં’ય તત્વોથી બને છે.
તમારી જીવનશૈલી ઉપરાંત ખોરાક લેવાની પદ્ધતિ ઉપર આ શક્તિનો આધાર રહેલો છે. કોરોના કાળમાં રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોવું અત્યંત જરૂરી છે. તો આજે આપણે સમજીએ કે રોગપ્રતિકારક શક્તિ નબળી હોવાનું કેવી રીતે જાણશો અને તેને મજબૂત બનાવવા શું-શું કરશો?
શરીર ઉપરના ઘા જલ્દી રૂઝાતા ન હોય
જો તમને શરીરમાં ક્યાંય પણ ઘા લાગ્યો હોય અને તેમાં જલ્દીથી રૂઝ ન આવતી હોય તો સમજી લેવાની જરૂર છે કે, તમારી રોગપ્રતિકારક શક્તિ ઓછી છે. સામાન્ય લોકોને ઘા રૂઝાવામાં જેટલો સમય લાગે છે તેના કરતા દોઢો અથવા બમણો સમય તમારામાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાનું ઈન્ડિકેશન છે.
વિવિધ એલર્જી
અમુક લોકોને ઘણી બાબતોની એલર્જી જેમ કે પેટની એલર્જી હોય, અર્થાત્ તે કંઈપણ ખાઈ લે તો તુરંત તેમને પેટમાં ચૂંક ઉપડવા માંડે અને અપચા જેવો અનુભવ થાય છે. તો કેટલાંક ચામડીની એલર્જી હોય છે. આવા લોકો વધારે ગરમી કે વધારે ઠંડી સહન કરી શકતાં નથી આ પણ કમજોરીનું લક્ષણ છે.
પાચનશક્તિનું નબળું હોવું
જે વ્યક્તિ કબજિયાત-ગૅસ અને પેટના દુ:ખાવાથી પીડીત હોય ઉપરાંત પેટ ભારે-ભારે લાગતું હોય કે પેટ ફૂલી જતું હોય ટૂંકમાં જો તમારી પાચનક્રિયા ધીમી હોય તો ઉક્ત લક્ષણો જોવામાં આવે છે. પાચન તંત્રને લગતી સમસ્યાઓ સ્પષ્ટ સંકેત છે કે, તમારી રોગપ્રતિકારક શક્તિમાં કંઈક ગરબડ છે.
વારંવાર બિમાર થવું
વારંવાર બિમાર પડવું એ રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાનું પ્રથમ લક્ષણ છે. સામાન્ય ઉધરસ કે તાવ અવાર-નવાર શરીરને જકડી લે છે. જો કે, આવા લક્ષણો ધરાવતાં લોકો પોતાની ઈમ્યુનિટી અંગે જાગૃત ન હોવાના કારણે સમસ્યામાં વધારો થતો જાય છે. આવા લોકોએ કોરોના દરમિયાન જાગૃત થવું જોઈએ.
હંમેશા કંટાળો અને થાક લાગવો
હંમેશા થાકેલા-થાકેલા રહેવું, સૂઈને ઉઠ્યા હો તો પણ પુન: પથારીમાં પડી જવાના વિચારો આવે, દરેક બાબતમાં કંટાળો આવ્યા કરે આવા લોકોએ સમજી લેવું જોઈએ કે, પોતાનામાં રોગપ્રતિકારક શક્તિનો અભાવ છે. આવા લોકોએ રોગપ્રતિકારક શક્તિ અંગે જલ્દીથી જાગૃત થવું જોઈએ.
રોગપ્રતિકારક શક્તિને ફોંસલાવનારા ખાદ્યપદાર્થ :
કીવી
કીવી તમારા શરીરમાં આખા દિવસ દરમિયાન જે પણ વિટામિન સી ની જરૂર હોય તે પૂર્ણ કરે છે. કીવીમાં વિટામિન ઇ અને એન્ટી ઓક્સિડેન્ટ ઘણા વધારે પ્રમાણમાં હોય છે. જેના કારણે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. કીવી ઇમ્યુનિટી વધારવામાં ઘણું જ ફાયદેમંદ છે.
દહીં
જ્યારે પણ આપણે એકાદ કટોરો ભરીને દહીં ખાઇએ છીએ ત્યારે આપણને તાજગીનો અનુભવ થાય છે. દહીં એક ઠંડો ખોરાક છે. જે ખાસ કરીને ગરમીઓની સિઝનમાં ખાવામાં આવે છે. તેમ જ તેની પ્રોબાયોટિક સામગ્રી પાચનના પ્રશ્ર્નો સામે લડવામાં મદદ કરે છે. કદાચ દહીં વિષે તમે આ બધું જાણતા જ હશો પણ તમનેકદાચ એ ખબર નહી હોય કે દહીં વિટામિન ડી સાથે ફોર્ટીફાઇડ થાય છે. જેથી તે આપણી ઇમ્યુન સિસ્ટમને વધારે સારી રીતે ચલાવવામાં મદદ કરે છે.
બ્રોકલી
બ્રોકલીમાં પણ વિટામિન સી ભરપૂર માત્રામાં મળે છે. બ્રોકલીમાં ફાઇટોકેમિકલ્સ અને એન્ટીઓક્સિડેન્ટ હોય છે. જે આપણી ઇમ્યુનિટીને વધારવામાં મદદ કરે છે. તેમ જ બ્રોકલીમાં વિટામિન ઇ પણ રહેલું હોય છે. જે સંક્રમણ સામે લડી શકે છે. ઇમ્યુનિટી વધારવા માટે બ્રોકલી આહારમાં લેવી જોઇએ.
સંતરા અને લીંબું
સંતરા અને લીબુંમાં વીટામિન સીનું પ્રમાણ સૌથી વધારે માત્રામાં હોય છે. જે ઇમ્યુનિટી બુસ્ટરનું કામ કરે છે. જો સંતરા અને લીંબુંનુ રોજ સેવન કરવામાં આવે તો તે તમને હાઇડ્રેડ રાખે છે. તમે રોજનું એક સંતરું કે લીંબું ખાઇ શકો છો. રોજ એક લીંબુંનું પાણી કે પછી રોજના ખોરાકમાં એક લીંબું નીચોવીને તેનો રસ પણ ઉપયોગમાં લઇ શકાય છે.