હાલનો યુગ બહુ જ ફાસ્ટ અને આધુનિક થઈ ગયો છે. પતિ-પત્ની બન્ને એક બીજાને નામ લઈ બોલાવતાં થઈ ગયાં છે. જો કે, આજે પણ ઘણી જગ્યાએ જૂની રીત ચાલી આવે છે અને તે એ કે, મહિલા પોતાના પતિને નામથી બોલાવતી નથી કે નથી પોતાના પતિનું ક્યારેય નામ લેતી! ‘જી’, ‘સાંભળો છો’, ‘કહુ છું’ જેવા ઉચ્ચારણોથી પોતાના પતિને બોલાવતી હોય છે.

જો કે, બદલાતા સમયની સાથે-સાથે જૂની રૂઢિઓ ઉપર અલ્પવિરામ લાગી ગયું છે અને આગળ જતાં પૂર્ણવિરામ લાગે તો’ય નવાઈ નહીં! હાલના યુગની પત્નીઓ પોતાના પતિને નામથી બોલાવવા માંડી છે. લવ મૅરેજ હોય તો ઠીક છે પરંતુ ઍરેન્જ મૅરેજ હોય તો પણ સ્ત્રીઓ પોતાના પતિને એક નામથી બોલાવતી થઈ ગઈ છે. ખૈર પણ પહેલાંના સમયમાં પોતાના પતિનું નામ મહિલાઓ શા માટે નહોતી લેતી? તે જાણવું પણ અત્યંત રોચક છે. હકીકતમાં તેની પાછળ એક દિલચસ્પ ધાર્મિક કારણ છે.

મહર્ષિ વેદવ્યાસજીને ભગવાનનો અવતાર માનવામાં આવે છે. તેઓના મુખારવિંદમાંથી નીકળેલી વાણીને ગજાનને ‘સ્કંદ પુરાણ’માં અક્ષરસ: લખેલું છે. સ્કંદ પુરાણ અનુસાર જે ઘરમાં પતિવ્રતા સ્ત્રી આવે છે, તે ઘરમાં રહેવા વાળા લોકો જીવનભર ખુશ રહે છે. મહિલાઓ શા માટે પોતાના પતિને નામથી નથી બોલાવતી? તેની હકીકતમાં સ્કંદ પુરાણમાં લખવામાં આવી છે, બીજી તરફ એવી પણ માન્યતા છે કે, પતિને નામથી બોલાવવાથી તેમની ઉંમર ઘટી જાય છે. એટલા માટે પતિના લાંબા આયુષ્ય માટે મહિલાઓ તેમને ક્યારેય પણ તેમના નામથી સંબોધિત કરતી નથી.

વધુમાં સ્કંદ પુરાણ કહે છે કે, પતિના ભોજન ગ્રહણ કર્યા બાદ પત્નીએ ભોજન લેવું જોઈએ, પતિને માન-સન્માન આપવું એ પતિવ્રતા નારીનું કર્તવ્ય બતાવવામાં આવ્યું છે. તે જ પ્રમાણે દરેક પુરૂષે પણ પોતાની પત્નીને આદર આપવો જોઈએ.

જો કે, હાલના સમયમાં એવું રહ્યું નથી. સ્ત્રી પુરૂષ સમોવડી થઈ ચૂકી છે. તેણી પ્લેન ઉડાડવાથી માંડીને દરેક કાર્યો કરવા માંડી છે. જો કે, સ્કંદ પુરાણના કથનનો અર્થ સ્ત્રી-પુરૂષ સંસાર ચક્રના પૈંડા હોવાનો પણ અર્થ નીકળે છે, તેથી સ્ત્રીનું પુરૂષ સમોવડી હોવું કંઈ ખોટું પણ નથી. જે પુરુષ મહિલાઓનું સન્માન નથી કરતા અને તેમને પોતાના થી નીચે સમજે છે, હકીકતમાં તેઓ કોઈપણ માન-સન્માનનાં હકદાર હોતા નથી.

મહર્ષિ વેદવ્યાસજીએ કહ્યું છે કે, મહિલાઓએ પતિને પરમેશ્ર્વર માનવો જોઈએ અને એ જ પ્રમાણે પુરૂષે પણ પોતાની પત્નીને લક્ષ્મીનો અવતાર માની તેનું સન્માન કરવું જોઈએ. પતિને તેના નામથી બોલાવવા પર તેનું આયુષ્ય ઓછું થઈ જાય છે. આજકાલની મોર્ડન યુવતીઓ આ વાતો પર બિલકુલ વિશ્વાસ નથી કરતી. પરંતુ અમુક મહિલાઓ આ બધી બાબતો પર અતૂટ વિશ્વાસ રાખે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here